ક્ષય ભગાવે સિતોપલાદિ


આયુર્વેદ ના ઔષધો ની મસ્તી જ કૈક અનેરી છે. જેમકે....અરડુષી માટે રાજનિઘંટુ માં લખ્યું છે કે...
વાસાયામ વિદ્યમાનાય , આશાયામ જીવિતસ્ય ચ | રક્તપિત ક્ષયી કાસી, કિમર્થમવસીદતી ||
 આપણા ઋષિ કેટલા વિશ્વાસ થી કહેછે કે... જ્યાં સુધી અરડુષી તમારી પાસે હોય ત્યાં સુધી લોહી પડતું હોય તેમણે, ક્ષય કે ઉધરસ હોય તેમણે ગભરાવાની જરૂર નથી.
 આવો જ મિજાજ.... ડોડી, ગળો, આમળા, હરડે, બ્રાહ્મી, કુંવારપાઠું, લીમડો... એમ બધાજ ઔષધો નો છે. ... આવા જ કેટલાક ઔષધો ના મિશ્રણ પણ છે... તેમાંનું એક એટલે.. સિતોપલાદી ચૂર્ણ છે.  જે ક્ષય નો પણ ક્ષય કરનાર છે. જેમાં સાકર અડધો- અડધ આવેછે, ઉપરાંત માં ક્રમ થી અડધા- અડધા ભાગ માં ... વંશલોચન, લીંડીપીપર, એલાયચી ને તજ આવેછે.
 સાવ સામાન્ય જણાતું, ઘરે જાતે જ બનાવી શકાય તેવું, બજાર માં સર્વત્ર સરળતાથી મળતું તેવું આ ઔષધ છે. જેનો સામાન્ય રીતે લોકો ખાંસી માટે જ ઉપયોગ કરેછે અને તેનાથી ખાંસી ના મટે ત્યારે જાણે સંપૂર્ણ આયુર્વેદ વિશ્વ ને બદનામ કરતા હોય તેમ કહે, અમે, દેશી દવા પણ કરી તો પણ અમારું દર્દ ના મટ્યું !!.. તેથી આ ને આવા લેખ વાંચી ને જાતે દવા ભલે તમે કરો પરંતુ આયુર્વેદ અને તેનું જ્ઞાન, દર્દ અને તેની સાચી સારવાર તો તેના અભ્યાસુ, અનુભવી, પિયુષપાણી વૈદ્ય પાસે થી જ મળે.
 ક્ષય નું પ્રથમ લક્ષણ છે.. શરદી.. શરદી માં થી ખાંસી થાય, ખાંસી માં થી સ્વરભેદ- સાદ બેસી જવા નો રોગ થાય, સ્વરભેદ માં થી શ્વાસરોગ ઉત્પન્ન થાય, શ્વાસ માં થી ક્ષય. ક્ષય તે બધા જ રોગો નું કારણ છે એટલેકે શરીર ને સંભાળનાર, ટકાવનાર, રોગ પ્રતિકાર શક્તિ આપનાર છે ધાતુઓ- રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર. ..આ બધી જ ધાતુઓ નો ક્ષય.  તેથી જો શરદી ને સામાન્ય સમજી ને દર્દ ઝડપ થી મટાડતા નથી તો ક્ષય થતાં સમય લાગતો નથી. કારણકે... શરદી માં અગ્નિ મંદ થાય, ખાંસી માં રસ ધાતુ બગડે પછી એક પછી એક ધાતુ બગડે, ઘટે અને પછી ક્ષય.
 સિતોપલાદી માં ના દ્રવ્યો- તજ, એલાયચી ને લીંડી પીપર જે શરદી, ખાંસી ને શ્વાસ મટાડે સાથે ભૂખ લગાડે છે. તેમાં વંશ લોચન ભળે, જે રસાયણ નું કામ કરેછે એટલેકે તેનાથી સાતેય ધાતુઓ માં વધારો થાય છે. તેમાં સાકર ભળે તેથી તેમાંનું એકપણ ઔષધ ગરમ પડતું નથી. વળી તે ક્ષય જેવા રોગ માં  વૈદ્ય ના માર્ગદર્શન થી ગાય ના ઘી સાથે કે લીમડાની ગળો થી સિદ્ધ કરેલ ગાય ના ઘી ને અસમાન ભાગે મધ સાથે લેવાથી  બળ મળેછે ને ક્ષય મટે છે, ભૂખ લાગેછે, ખોરાક પ્રત્યે રૂચિ ઉત્પન્ન કરેછે ને  શક્તિ આપેછે.
સિતોપલાદી ચૂર્ણ ને દર્દ પ્રમાણે જૂદા-જૂદા અનુપાન સાથે આ પ્રમાણે લઈ શકાય.
             ભૂખ લગાડવા: વારંવાર સુંઠ થી ઉકાળેલા પાણી સાથે લેવું.
             અરૂચી મટાડવા: ભોજન પહેલા એક ચમચી લેવું.
             શરદી મટાડવા: તુલસી ના ઉકાળા સાથે લેવું.
             ખાંસી મટાડવા: સુકી ખાંસી માટે ગાય ના દૂધ કે ઘી સાથે અને કફ ની ખાંસી માં મધ સાથે લેવું.
             શ્વાસરોગ મટાડવા: અભ્રક ભસ્મ ને મધ સાથે વૈદ્ય ના માર્ગદર્શન થી લેવું.
             શક્તિ મેળવવા: દૂધ કે ઘી સાથે લેવું.
             શ્વેત પ્રદર – સ્ત્રી રોગ માં: ભાત ના ઓસામણ સાથે લેવું.
             ક્ષય માટે: ગળો સત્વ, પ્રવાલ પિષ્ટી,  અભ્રક, સુવર્ણ વસંત માલતી  જેવા ઔષધો સાથે વૈદ્ય ના માર્ગદર્શન થી છ મહિના સુધી  આપવું.
 ક્ષય રોગ ની વાત કરીએ છીએ ત્યારે ચરક આચાર્ય નો શ્લોક લખવાનું મન થાયછે...
 शुक्रायतम बलम पुंशाम मलायतम तू जीवितम् | तस्मात् यत्नेन संरक्षयम मलिनो बल हेतव: ||
  ક્ષય ના દર્દી ને માટે શુક્ર એ તેનું બળ છે અને મળ ના આધારે જેનું જીવન ટકી રહ્યું હોયછે તેવા દર્દી ના માટે મળ તે જ તેનું બળ છે જેનું પ્રયત્ન પૂર્વક રક્ષણ કરવું જોઈએ.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)