ચામડીના રોગો હઠીલા શા માટે ?


 તુલસીકૃત રામાયણમાં લખ્યુંછે કે, “ ભય વાત, ક્રોધ પિત્ત, કફ લોભ અપારા....” ભય થી વાયુ વધે, ક્રોધ થી પિત્ત વધે, લોભ થી કફ વધે છે. બીજા બધા માનસિક દોષો દૂર કરવા સહેલા છે પરંતુ લોભી માણસ માં થી લોભ નામનો અવગુણ કાઢવો અતિશય અધરો છે. અહી, સંત તુલસીદાસજીનો કહેવાનો મતલબ કફ પ્રકૃતિ નો માણસ લોભી હોય તેવો નથી પરંતુ લોભ એ કફ જેવો જલ્દી થી ના જાય તેવો છે. કફ એ ચોંટી જનાર ચીકણો છે. વાયુ અને પિત્ત ની સારવાર સહેલી છે પરંતુ કફ ની સારવાર અતિશય અઘરી છે કારણકે કફ એ ઠંડો, ભારે, ચીકણો ને  દુર્ગંધી છે. કફ પ્રાકૃત હોય તો તે બળ આપેછે. પરંતુ તે જયારે વિકૃત થાયછે ત્યારે શરદી, ખાંસી, શ્વાસ, ખોડો, ખંજવાળ, સફેદ દાગ, તમામ ચામડીના રોગો, શરીર ની અંદર ને બહાર સોજા, સાંધા ના સોજા, પાક, પરુ, મળ માં ચિકાશ, આંખ- કાન- દાંત ના રોગો, કાકડા, કેન્સર જેવા બધાજ રોગોમાં કફ જ મુખ્ય કારણભૂત છે. ચામડીના જ નહિ આ તમામ કફ ના રોગો લોભની જેમ હઠીલા છે.

 આપણે સામાન્ય રીતે નાક કે મોઢા માં થી કફ- ચિકાશ આવેછે તેને જ કફ કહીએ છીએ. જયારે આયુર્વેદમાં છાતી નું બળ- અવલંબક કફ, સાંધાઓ નું ઉંજણ- શ્લેષક કફ, ખોરાક ખાવા માટે ની રુચિ ને સ્વાદ થાયછે તે- બોધક કફ, મગજમાં રહીને ઇન્દ્રીઓ ને તૃપ્ત કરેછે તે- તર્પક કફ અને હોજરી માં રહીને ખાધેલા ખોરાક ને ભીજવી રાખે તે- ક્લેદક કફ છે આમ, પ્રાકૃત કફના પાંચ પ્રકાર છે. પરંતુ જયારે આ કફ બગડે છે ત્યારે તે રોગ કરેછે.

 અહી, જયારે ચામડીના રોગોની જ વિશેષ વાત કરીએ છીએ ત્યારે તેમાં શરીરની સાત ધાતુઓ માં ક્રમશઃ રસ, રક્ત, માંસ ને મેદ ધાતુ  બગડે છે. રોગ જુનો હોય ને પાક, પરુ ને દુર્ગંધ આવતી હોય તો અન્ય ધાતુ પણ બગડે છે. ચામડી ના રોગો થવામાં મુખ્ય કારણ કફ હોવા છતાં વાયુ ને પિત્ત દોષ પણ કારણભૂત છે.

 ચામડીના રોગો હઠીલા હોવાથી જ જૂઓ આજના તબીબો મોટા ભાગના ચામડીના રોગો ની સારવાર માં શરીરને અત્યંત નુકશાન કરનારી ને ના છૂટકે વપરાતી, જીવલેણ રોગો માટે અકસીર ગણાતી સ્ટીરોઇડ દવાઓ સહજતાથી વાપરે છે. કદાચ તે સમજીને વપરાતા હશે કે હઠીલા દર્દો સામાન્ય દવાથી નહિ મટે માટે.

 પરંતુ, હઠીલા દર્દ ની દવા દુશ્મન ની જેમ કડક ચરી પાળી ને કરવામાં આવે તો ...., પંચકર્મની પદ્ધતિ વમનકર્મ કે વિરેચનકર્મ થી રોગને ખેંચીને બહાર કાઢવામાં આવે તો..., કડવા ખોરાક ને કડવા ઔષધો થી સિદ્ધ કરેલું ઘી પીવડાવવાનો અભ્યાસ કરવામાં આવે તો..... આ બધી જ સારવાર વિદ્વાન, અનુભવી ને પંચકર્મ નિષ્ણાત વૈદ્ય પાસે થાય તો ચોક્કસ થી ઝડપથી દર્દ દૂર થાય જ.

ગળ્યું, ખાટુ, ખારું, દૂધ, દહીં, છાસ, તમામ ફળ, ગોળ, ખાંડ, ઠંડુ પાણી, ઠંડા પીણા, મગ ને ચણા સિવાયના કઠોળ, માંસ, બીડી, તમાકુ, દિવસની ઊંઘ, સાંજે દિવસ આથમ્યા પછી નું ભોજન આ બધું જ કફ કરનાર છે  એટલેકે ચામડીના દરદીએ આ બંધ કરવું જ જોઈએ.

મગ, મધ, કડક મોળી રોટલી,કારેલા, કંકોડા, પરવળ, દૂધી, તુરીયા નું મોળું શાક,  જુના ચોખા ના મોળા ભાત, મીઠા વિનાની મોળી દાળ, ગોમૂત્ર, ઉકાળેલું પાણી નો આહાર માં ને લીમડાનો અંદર- બહાર ઉપયોગ, કણજી, ગરમાળા નો ઔષધીય ઉપયોગ સતત કરવો જોઈએ.

 માલીશ : ઠંડી, ગરમી ને સૌંદર્ય, સહનશીલતા ને રોગ પ્રતિકાર શક્તિ ચામડી ને આધારે છે. અંદર- બહાર માલીશ એ ચામડીની તંદુરસ્તી માટે સૌથી શ્રેષ્ઠ છે. અંદર થી માલીશ એટલે ગાય નું ઘી કે ગાયના ઘી માં કડવા ઔષધો થી સિદ્ધ કરેલું ઘી નું નિયમિત સેવન કરવું તે.. અને બહાર નું માલીશ એટલે દરરોજ તલના, સરસવના કે લીમડા- કણજી જેવી ઔષધી થી સિદ્ધ તેલ નું નિયમિત માલીશ.

 ચામડી નો રોગ જેટલો જૂનો તેટલો મટાડવા માં વધુ મુશ્કેલી પડે કારણકે તે હઠીલો છે ને !!!.  તેથી આવા દર્દો થતાંની સાથે જ આયુર્વેદ સારવાર થી દૂર કરવો જોઈએ.

 આજે સૌંદર્ય માટે કેમ બધા ની દોડ છે ? કારણકે સૌંદર્ય એ તંદુરસ્તી ની નિશાની છે. બ્યુટી પાર્લર થી મળતી સુંદરતા પણ આયુર્વેદ ની લેપ ચિકિત્સા જ છે. પરંતુ તે અંદરની સારવાર કે પંચકર્મ વિના અધુરી છે. માત્ર બહારની લેપ ચિકિત્સા થી ક્ષણિક સૌંદર્ય પ્રાપ્ત થશે. અને સુંદર તો સૌએ રહેવું જ જોઈએ કારણકે આપણો કૃષ્ણપ્રભુ પણ આત્યંતિક સુંદર છે. અને સુંદર બનવા માટે કડક ચરી પાળવી જ પડે ને !!

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)