કબજીયાત ની કઠણાઈ
આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ ઉપકુલપતિ રાજવૈદ્ય રસિકભાઈ પરીખ
ઘણીવાર કહેતા કે, “હું બુદ્ધિશાળી તેને જ કહું કે જેને
સવારે ઉઠતાંની સાથે જ જેમ કાચની સપાટી પરથી તેલ સરી જાય તેમ તેને મળ સરી જાય.” સંત વિનોબાજી કહેતા કે, સવારે ઉઠતાં ની
સાથે જ મળ નું દર્શન કરવું જોઈએ. મળ તરે તો તંદુરસ્તી ને ડુબે તો બીમારી. આયુર્વેદ
માં પણ અષ્ટાંગ હૃદય માં લખ્યું છે કે, પ્રત્યેક
વ્યક્તિએ સવારે ઉઠતાં ની સાથે જ વિચાર કરવો જોઈએ કે મને આગળ ના દિવસ નું ખાધેલું
પચ્યું છે કે નહિ ?. જો યોગ્ય રીતે આગલા દિવસ નું પચ્યું
નથી તો સવારે કશું જ નહિ ખાતા ને સુંઠ થી ઉકાળેલું પાણી પીવાથી ખોરાક નું યોગ્ય
પાચન થશે. જૈન સિદ્ધાંત પ્રમાણે રાત્રી ભોજન નહિ કરવાનું કારણ આ જ છે કે જેથી
ખોરાક નું યોગ્ય પાચન થાય. બધાજ રોગો થવાનું મૂળ છે ભૂખ- પાચન ની નબળાઈ.
જેમને ભૂખ સારી રીતે લાગતી હોય,
યોગ્ય સમયે તેનું પાચન બરાબર થતું હોય, છ એ રસ યુક્ત ખોરાક યોગ્ય રીતે લેવાતો હોય, ખોરાક ના જેટલું જ પાણી,
છાસ કે દાળ પીવાતી હોય, દિવસ દરમિયાન પણ જરૂરીયાત પ્રમાણે પાણી વારંવાર પીવાતું હોય, શરીર ના બધાજ અંગો ને માટેનો વ્યાયામ થાય તો કબજિયાત થાય નહિ.
પ્રત્યેક વ્યક્તિએ સ્વસ્થ રહેવાને માટે
તેર પ્રકારના વેગો રોકવા જોઈએ નહિ. .......
મળ, મૂત્ર, વાયુ, છીંક, ભૂખ, તરસ, ઊંઘ, ઉધરસ, થાક, શ્વાસરોગ, બગાસું, અશ્રુ, ઉલટી અને વીર્ય નો વેગ રોકવો જોઈએ નહિ.
............... આમાંથી કોઈપણ વેગ રોકવાથી
અપાનવાયુ અવળો થાય, શરીરમાં દુઃખાવો થાય અને જે- જે વેગ
રોકાયા હોય તે તે વેગોના દર્દો થાયછે.
વિશેષ કરીને કબજિયાત માં મળ- વાયુ
વારંવાર રોકાવાની ટેવ થવાથી, વાયુ અવળો થવાથી મળાશય ને મોટા આંતરડામાં લુખાશ ઉત્પન્ન થાયછે. ભારે
ખોરાક ખાવાની ટેવ થી, વ્યાયામ ના અભાવ થી આંતરડા માં
ગતિશીલતા ઘટવાથી અને ઉત્પન્ન આમદોષ ના અવરોધ થી કબજિયાત થાયછે.
કબજિયાત મટાડવા માટે....
• દહીં, બાજરી, ડુંગળી, ઠંડુ પાણી, ઠંડા પીણા, મીઠાઈ કબજિયાત માટે અપથ્ય છે. આટલું
લેવું નહિ.
• વારંવાર થોડું થોડું પાણી પીવું, સવારે ગરમ હુંફાળું પાણી પીવું. ભૂખ થી અડધું ખાવું, મળ, મૂત્ર ના વેગો રોકવા નહિ, ઉજાગરા કરવા નહિ. ઉજાગરા થી વાયુ વધે તેથી વજન ઘટે, કબજિયાત થાય. પુરતી ઊંઘ પાચન ને શરીર ની સંપૂર્ણ તંદુરસ્તી માટે
જરૂરી છે. નિત્ય નિયમિત વ્યાયામ કરવો.
• તલ નું તેલ કે ગાય નું ઘી પીવાનું જ્યારથી બંધ થયું
છે ત્યારથી જ જાણે રોગોની ભરમાર ચાલુ થઇ છે તેવું લાગેછે. તેલ કે ઘી પીધા
પછી ગરમ પાણી પીવાની ટેવ રાખવી. દરરોજ રાત્રે ગરમ દૂધ સાથે ગાયનું ઘી પીવું.
• આયુર્વેદ સિદ્ધાંત પ્રમાણે વૈદ્યના માર્ગદર્શન થી દીવેલ ની માત્રા
બસ્તિ લેવાથી પણ કબજિયાત કાયમી દૂર થાયછે.
•રોટલી કે ભાખરી બનાવતી સમયે બહેનો મોણ
તરીકે દીવેલ નો ઉપયોગ કરશે તો પણ કબજિયાત ઝડપથી મટાડી શકાશે.
•સૂંઠ ના ઉકાળામાં દસ થી વીસ ગ્રામ
દીવેલ દરરોજ સવારે કે સાંજે પીવાથી કબજિયાત મટશે ને આમદોષ નું પાચન પણ થશે.
જાતે લેવાતી પાણી ની બસ્તિ- જેનું કેટલાક લોકોએ સંજીવન પોટ પાડ્યું
છે તે બસ્તિ પણ લઈ શકાય પરંતુ તે માટે ફેમીલી વૈદ્ય નું માર્ગદર્શન લેવું જોઈએ.
નાના બાળકો ને થતી કબજિયાત માં હરડે નો ઘસારો કે ગરમાળો નો ગર્ભ આપી
શકાય.
Comments
Post a Comment