વિશ્વ આયુર્વેદ દિન... ધનતેરસ


આજે ચારેબાજુ ધન એટલે રૂપિયા, પૈસા જ સમજાય. કારણકે બધાના મગજમાં તેના જ બટાકા બફાતા હોયછે. જયારે આપણા ઋષીઓ એ શ્રીસૂક્તમ માં અગ્નિ, વાયુ, સૂર્ય, પૃથ્વી, પ્રકૃતિ, માતા- પિતા આ બધું જ ધન કહ્યુછે. તેમ આરોગ્ય પણ આપણું આદર્શ ધન છે. જો કે બીમારી આવે ત્યારે રૂપિયા ખર્ચાઈ જાય તેથી આરોગ્યને આપણે ધન માનવા લાગ્યા છીએ. પરંતુ આપણા ઋષીઓની આવી ટૂંકી કે સ્વાર્થી દ્રષ્ટી નથી રહી.

 ઋષિ કહેછે........ મારે તંદુરસ્ત રહેવું છે કારણકે મારે ખૂબજ પ્રભુનું કાર્ય કરવું છે. મારે ધર્મ કાર્ય કરવું છે. આયુર્વેદ ની ઉત્પતિ નો હેતુ પણ આ જ છે ને !!!. હિમાલય ની તળેટી માં વિશ્વ ની પ્રથમ મેડીકલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે તેમાં પ્રમુખ વિષય જ આ હતો કે આજે લોકોને ધર્મ કાર્ય કરવા માટે અવરોધ રૂપ માત્ર રોગો જ છે. અને આ રોગો ની સારવાર નું જ્ઞાન દેવો પાસે છે છે તો તેમની પાસે થી જ્ઞાન કોણ લેવા જશે? અંત માં ભરદ્વાજ ઋષિ પોતાની ટીમ સાથે તે જ્ઞાન લેવા માટે ગયા છે. જે આપણને આજે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા સ્વરૂપે સર્વત્ર સુલભતાથી પ્રાપ્ય છે.
આજે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્ર ભારત માં પ્રથમ વખત આયુર્વેદ ને આટલું સન્માન મળ્યું છે કે ધનતેરસ ને “આયુર્વેદ દિવસ” આપણી ભારત સરકારે જાહેર કરેલ છે.

 આયુર્વેદ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલા બાધિત છે, તમામ દર્દો ની સારવાર સરળતાથી કરી આપેછે, તાત્કાલિક સારવાર એ આજના જમાનાની જે માંગ છે તેમાં પણ આયુર્વેદ અકસીર છે. નિર્દોષ છે, સૌને સરળતાથી પ્રાપ્ય છે, આજની ભાષામાં કહી શકાય કે રીપોર્ટ ના ખર્ચ માં તો આયુર્વેદ થી દર્દ દૂર થઈ જાયછે. તન, મન, ઇન્દ્રિયો, આત્માની પ્રસન્નતા આપતી કોઈ સારવાર યા પદ્ધતિ હોય તો તે એક માત્ર આયુર્વેદ જ છે. સાજો માણસ સાજો કેવીરીતે રહે તેના માટે ખૂબજ ઊંડાણથી આયુર્વેદે ચિંતન કર્યું છે.

 સર્વે સન્તુ નિરામયા:|| સર્વત્ર સૌ સુખી રહો, કોઈ બીમારી કોઈને સ્પર્શે નહિ. ઋષિની આવી પવિત્ર દ્રષ્ટી ને સાકારિત આયુર્વેદ કરી શકેછે. તેથી આયુર્વેદનો અવતરણ દિવસ, ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ, આજે આસો વદ તેરસ- ધનતેરસ - આયુર્વેદ દિવસ  ની આપણે સૌ ઉજવણી કરીએ છીએ.

૧. દેવો – દાનવો દ્વારા થયેલ સમુદ્રમંથન માંથી આયુર્વેદ નું અમૃત નો કુંભ લઇને જેમનું અવતરણ થયું તે ભગવાન ધન્વંતરી.

૨. આયુર્વેદ નો મહાન ગ્રંથ સુશ્રુતસંહિતા કે જેને આજે પણ વિશ્વના સર્જન તબીબો માને છે કે જગતમાં પ્રથમ અને શ્રેષ્ઠ સર્જરી સુશ્રુત સંહિતામાં જોવા મળે છે. તે મહર્ષિ સુશ્રુત ના ગુરુ એટલે ભગવાન ધન્વંતરી કે જેઓ જગતના આદી સર્જન.

૩. કાશી મરણાન્મુક્તિ: એક સમય એવો હતો કે આખાય ભારતદેશ માંથી લોકો નિવૃત્તિ નો સમય ગાળવા કાશીમાં રહેવાનું પસંદ કરતાં હતા. કારણકે ત્યારે ત્યાં દિવોદાસ ધન્વંતરી રાજાનું શાસન હતું.

તે સમયે જે કાશી જતા તે  ત્યાં જ રહી જતા પરત ઘરે આવતા નહિ. આવું આદર્શ વેલ્ફેર સ્ટેટ કે રામરાજ્ય જેવું શાસન આપવાનો યશ દિવોદાસ ધન્વંતરિ રાજાને હતો.
               
આમ, સમુદ્રમંથન માંથી પ્રગટ થયેલ ધન્વંતરિ માનવામાં આવે કે પછી મહર્ષિ સુશ્રુત આચાર્ય ના ગુરુ ધન્વંતરિ કે કાશીના રાજા ધન્વંતરિ. પરંતુ ત્રણેય ધન્વંતરી નું કાર્ય એક જ આયુર્વેદ નું અમૃત દ્વારા સર્વે સન્તુ નિરામયા: | સંપૂર્ણ સૃષ્ટિ નીરોગી બની રહે. તન અને મનથી તંદુરસ્ત રહે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેતા, જે આજે પણ સૌને માર્ગદર્શક છે. આ વિષે ભગવાન ધનવન્તરીએ સુશ્રુત સંહિતામાં વ્યાખ્યા આપી છે....
समदोष: समाग्नीश्च समधातु मलक्रिय: | प्रसन्नात्मेन्द्रीय मन: स्वस्थ: इति अभिधीयते ||

અહી આચાર્ય કહેવા માંગેછે કે, માત્ર શરીર ની તંદુરસ્તી પુરતી નથી, મન, આત્મા અને ઇન્દ્રિયોની પ્રસન્નતા શરીર કરતાંય વિશેષ જરૂરી છે. 

આજના આ પવિત્ર દિવસે ઋષિની આ તંદુરસ્તીની કલ્પના સર્વત્ર સાકારિત થાય તે માટે આપને પ્રયત્નશીલ રહીએ, તેનો સ્વાધ્યાય સતત કરીએ, ગામે- ગામ સ્વવિકાસ ની ભાવનાથી ફરીને ઋષિનો આ વિચાર લઈ જઈએ તેવી નવા વર્ષે સંકલ્પના કરીએ.

સૌ વાંચકો ને દીપાવલી ની હાર્દિક શુભેચ્છા અને નવા વર્ષના અભિનંદન.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)