શક્તિદાતા ચૂર્ણ જાતે બનાવો


 
થાક, અશક્તિ ને સાંધાનો દુઃખાવો, બી.પી ની વધઘટ દેખાડે એ છે ઘડપણ ની ટકટક. સામાન્ય રીતે બાળપણ માં કફ વધે, યુવાની માં પિત્ત વધે ને ઘડપણ માં વાયુ વધે જ. વાયુ થી આવે રુક્ષતા- લુખાસ તેથી સાંધા નું ઉંજણ – તેલ ઘટે તેને સૌ કહે ગાદી ઘસાય. સાંધા માં અવાજ આવે, સોજા પણ થાય જે આમદોષ ના કારણે પણ હોઈ શકે. આમદોષ નું પાચન કરવા રેતી નો શેક ને સુંઠ- હરડે જેવા લૂખા ઔષધો જરૂરી છે. જયારે વાયુ ના શમન માટે તેલ નું ઉંજણ પૂરો. પરંતુ આપણે તો તેલ – ઘી બંધ ના જમાના માં જીવીએ છીએ ને !!
તલતેલથી વાયુ નું શમન થાય, ગાય ના ઘી થી પિત્ત નું શમન થાય ને મધ થી કફ નું શમન થાયછે.  વાયુ દૂર કરે ને શક્તિ આપે- અસ્થિ ધાતુનું પોષણ કરે તેવા ખોરાક ને ઔષધો લ્યો, વૈદ્યના સૂચન થી યોગ્ય ચરી પાળો તો દર્દ દૂર થાય.
કહ્યું છે ને કે, રોગના કારણ માં વાયુ બળવાન અને વાયુ ને નાથવામાં બસ્તિ બળવાન. પરંતુ બધ લોકોને બસ્તિ લેવા માટેની અનુકુળતા ના મળે અથવા યોગ્ય પંચકર્મ નિષ્ણાત વૈદ્ય સહેલાઈથી ના મળે તો તેવા લોકો ઘરે બેઠા જાતે ઔષધ બનાવીને વાયુ નું  શમન કરીને, શક્તિ મેળવીને દર્દ દૂર કરી શકેછે.
અશ્વગંધા, ગંઠોડા ને ચોપચીની .. સહેલાઈ થી મળી આવે આ ઔષધી. બળ આપે ને દુઃખાવો દુર કરે, સરખા ભાગે કરેલું આ ત્રણેય નું મિશ્રણ દૂધ કે પાણી સાથે લેવાય તો શક્તિ આપે પારાવાર.
અશ્વગંધા : સ્વાદમાં કડવી, તૂરી અને ગરમ ઔષધી છે. તેનું ચૂર્ણ ક્ષય, શોષ, થાક, વાયુ ના રોગો, વંધ્યત્વ, ઓછું વજન, અનિદ્રા, હૃદયરોગ દૂર કરનાર છે. બધી જ ધાતુઓ વધારનાર, વજન વધારનાર, વાયુ ઘટાડનાર ને ઊંઘ લાવીને થાક દૂર કરનાર અશ્વગંધા નું ચૂર્ણ દૂધ સાથે બે ગ્રામ થી પાંચ ગ્રામ સુધી સવારે સાંજે લઈ શકાય. ભૂખ સારી હોય ને વજન ઓછું હોય તો દુધમાં ક્ષીરપાક- ખીર બનાવીને કે ઘી સાથે લેવું. ભૂખ ઓછી હોય તો અશ્વગંધારિષ્ટ ત્રણ- ત્રણ ચમચી પાણી સાથે ભોજન પછી લેવું.    
ગંઠોડા ( પીપરીમૂળ ): ભૂખ લગાડે છે, ગરમ છે, તીખું છે, ખાધેલું પચાવનાર છે, પચવામાં હલકું છે, પિત્ત કરનાર છે. ગંઠોડા ના સેવન થી શરદી, કફ, શ્વાસ, ઉધરસ માં લાભ થાયછે. ક્ષય ને મટાડે છે, આફરો, ગેસ- વાયુ નો ગોળો, કૃમિ ને દૂર કરેછે. ઊંઘ આપેછે, શક્તિ આપેછે, થાક દૂર કરેછે. અશ્વગંધા સાથે તેની રાબ બનાવી ને લઈ શકાય છે.
•ચોપચીની ચૂર્ણ : દરિયાઈ બેટ વચ્ચે ઉગતી ચોપચીની ગાંધી ની દુકાને સહેલાઈ થી મળેછે. ચોપચીની કઈક તીખી છે, ગરમ છે, ભૂખ લગાડનાર છે, મળ ને મૂત્ર ને સાફ લાવનાર છે, કબજિયાત, આફરો, દુઃખાવો, વાયુ ના રોગો, અપસ્માર, ઉન્માદ, લોહી બગાડના રોગો, ગાંઠિયો વા, જાતીય રોગો – સીફીલીસ ને મટાડનાર છે.
  આ ત્રણેય નું ચૂર્ણ સરખા ભાગે લઈ દૂધ સાથે લેવાથી  આમવાત, સંધિવાત, રાંઝણ, અવબાહુક, વિશ્વાચી- ફ્રોઝન સોલ્ડર, અર્દિત – ફેસિયલ પેરાલીસીસ જેવા વાયુ ના રોગો તથા વાયુ થી થતા માનસિક રોગો માટે નું આ ઉત્તમ ઔષધ છે.
આયુર્વેદ ના ઔષધો નિર્દોષ છે છતાં વૈદ્ય ના માર્ગદર્શન થી લેવા જોઈએ. કારણકે પ્રત્યેક ની પ્રકૃતિ અલગ – અલગ હોયછે. તેથી એક જ ઔષધી સૌને અનુકુળ આવે જ તેવું જરૂરી નથી. 
........................ વૈદ્ય મહેશ અ. અખાણી, વૈદ્ય પરાશર મ. અખાણી. પાલનપુર. મો. ૯૪૨૬૩૯૯૧૨૫

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)