રાજવૃક્ષ કેટલું ઉપયોગી !!!


 અહીં ઉપયોગી શબ્દ માં વૃક્ષ- વનસ્પતિ તરફ જોવાનો આપણો સ્વાર્થી ડહોળો નજરમાં આવેછે. છોડ માં રણછોડ છે. વૃક્ષ માં વાસુદેવ છે. પાંડે- પાંદડે પરમેશ્વર છે. આ શ્રીમદ્ભગવદ્ગીતા ની વિભૂતિ યોગ ની દ્રષ્ટી છે. આ દ્રષ્ટી ધીરે ધીરે જીવનના પ્રત્યેક વ્યવહારમાં આવે તો જીવન પણ ખીલી ઉઠે.

 રાજતે શોભતે નામ રાજા. જે આસપાસના બધાજ વૃક્ષોમાં શોભાયમાન છે તે વૃક્ષ એટલે ગરમાળો. તેને રાજવૃક્ષ, આરગ્વધ કહેછે. ઉનાળાની બળબળતી બપોરમાં પણ પીળા ફૂલોના હાર થી તે હસતો સૌને આવકારે છે અને તન- મન ની ગરમી દૂર કરવાની ખાતરી આપેછે. 
                 
 ગરમાળાની કાળી, લાંબી, જાડી શીંગ ને આરોગ્યશીમ્બી કહેછે. એટલું જ નહિ આ આખુંય વૃક્ષ આરોગ્ય આપનાર છે. તેના પાન, છાલ, મૂળ બધું જ ઔષધ ઉપયોગી છે. પરંતુ તેની શીંગ ની જૂદીજ વિશેષતા છે. આ શીંગ આખા વર્ષમાં મે- જૂન માં જ મળી શકે અને ગરમી પણ સૌથી વધુ  આ બે મહિનામાં જ વધુ હોયછે ને ! ! !

 ભગવાન પણ કેટલો કૃપાળુ છે કે માણસોના તન- મન ની ગરમી મળ દ્વારા દૂર કરવા માટે જ ગરમી ના દિવસો માં જ તેવી ઔષધી મોકલી આપેછે.

 આ ગરમાળાની શીંગ એટલેકે આરોગ્ય શીમ્બી ને ગામડાના લોકો ખાટલાની પાંગથે બાંધે છે કેમકે સાપ ખાટલા ઉપર ચડે નહિ. કદાચ એવું પણ હશે કે તેથી તે શીંગ હાથવગી રહે. જેથી નાના બાળકની કે સગર્ભા સ્ત્રી ની કબજિયાત, લોહી ની ઉલટી થવી, ઝાડા માં લોહી આવવું જેવી ગરમીની ગંભીર બીમારી માં તે તરતજ મળી શકે. આ શીંગ સામાન્યરીતે દોઢ થી બે ફૂટ લાંબી ને એક ઇંચ ના ઘેરાવા જેટલી જાડી હોયછે. તે ખૂબજ મજબૂત હોયછે. તેમાં જો કાણા ના પડ્યા હોયતો આખું વર્ષ ઘરમાં સાચવી શકાય છે.

આ શીંગ ને ભાંગવાથી તેમાં બીજ અને કાળી પડદી નીકળે છે. બીજ તો વાવવામાં ઉપયોગી છે. જયારે કાળું પડ જે હોયછે તે આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી છે. તે દેખાવે કાળું, સ્વાદ માં મીઠું છે. તેથી તેને ગરમાળા નો ગોળ પણ કહેછે. નાનું બાળક પણ તેનું સરળતાથી સેવન કરી શકે છે. જો તે સીંગ ઘણી જૂની ના હોય તો.       

 ગરમાળાનો ગોળ સ્વાદ માં ગળ્યો, ચીકણો, બળ આપનાર, રોપણ કરનાર, પેટ સાફ લાવનાર, ચામડી ના રોગો, ખંજવાળ, અમ્લપિત્ત, અશક્તિ, ચક્કર આવવા, હેડકી, શ્વાસરોગ, ઉલટી, કૃમિ, તરસ, પ્રમેહ,   વાઢીયા, હાથ – પગ કે ગુદાના ચીરા, મોઢાના ચાંદા અને રક્તપિત્ત (શરીર માંથી કોઈપણ જગ્યાએ થી પડતું લોહી) મટાડવાનું કામ કરેછે.

 સામાન્યત: નાના બાળકોની કે સગર્ભાની કબજિયાત દૂર કરવા માટે ગરમાળાના ગોળ જેવી કોઈ ઔષધી નજરે ચડતી નથી. ૫ થી ૧૦ ગ્રામ આ ગોળ લઈને તેને ૧૦૦ થી ૨૦૦ મી.લિ. ગરમ પાણીમાં પલાળી, કપડાથી ગાળીને પીવડાવવાથી  પેટ સાફ થાયછે. ગરમી ને ખંજવાળ મટેછે.

 આ ગોળ કે ખાંડ ની ચાસણીમાં મેળવીને સરબત જેવું બનાવી સંગ્રહ પણ કરી શકાય. જે  કબજિયાત ને ગરમી મટાડે પણ ચામડીના રોગો નહિ મટાડે.

 આ ગોળ સાથે હરડે, કાળી દ્રાક્ષ, આમળાં, ત્રિફળા કે નાગરમોથ મેળવીને ગોળી પણ બનાવી શકાય છે જે અનેક રોગ માં અમે વૈદ્ય આપીએ છીએ. આમ પણ આ નિર્દોષ ઔષધ હોવા છતાં ચોક્કસ નિદાન તો વૈદ્ય જ કરી શકે ને ! તેથી વૈદ્ય ને પૂછવું સારું.

--: સૌને નમ્ર નિવેદન :--
   
 ગુલમહોર એ પરદેશી વૃક્ષ છે. તે આપણી જમીન ને વાતાવરણ ને અનુકુળ નથી. ગરમાળો એ આપણું ભારતીય વૃક્ષ છે. આંધી- તોફાન માં ગુલમહોર પડી જાય, ભાંગી જાય. ગરમાળો મજબૂત છે, તે ગમે તેવી આંધી- તોફાનમાં ભાંગે નહિ. સૌંદર્યમાં બંને એક- બીજા ની હરીફાઈ કરે તેવા છે. ગુલમહોર ની કોઈ ઔષધીય કિંમત નથી. જયારે ગરમાળો બહુમૂલ્ય છે. હા... ગુલમહોર ઝડપી ઊગેછે, જયારે ગરમાળો ને ઉગી ને વધતા થોડો વધુ સમય લાગેછે.
               
 તેથી સૌ પર્યાવરણ પ્રેમી, જંગલ ખાતું અને વૃક્ષ ઘર આંગણે વાવવા વાળા સમજુ ને નમ્ર વિનંતી કે આપણે ગુલમહોર ના બદલે ગરમાળો જ વાવીએ.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)