આમદોષ નું પાચન કેવી રીતે ?


આપણે હવાની શુદ્ધિ માટે માઉન્ટ, લોનાવાલા, ગોવા કે ખુલ્લા ખેતરોમાં ફરવા માટે જઈએ છીએ. પાણી શુદ્ધ મળી રહે તે માટે વરસાદી પાણી નો સંગ્રહ કરીએ છીએ ને કપડાથી પાણી ગાળીએ છીએ. ખોરાક શુદ્ધ, સાત્વિક ને કોઈપણ જાતના રાસાયણિક ખાતર વિનાનો એટલેકે દેશી ગાય ના છાણ, મૂત્ર થી તૈયાર થતો હોય તેવી ખેતીનું અનાજ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ હવા, પાણી ને ખોરાક માં થી જે ધાતુ ને મળ બનેછે તે શુદ્ધ છે કે કેમ તે વિષે તો ક્યારેય વિચાર્યું જ નથી ને ?.

 રોગા: સર્વે અપિ મંદેગ્નો|| બધાજ રોગો ઓછી ભૂખ, પાચન ની નબળાઈ ને ભૂખ વિના ખાવાથી થાયછે. ભૂખ હોય છતાં ખોરાક નહિ ખાવાથી પણ શોષજન્ય બીમારી થાયછે. પરંતુ આ આમદોષ થી થતી બીમારી નું મુખ્ય કારણ છે. જેમાં ખોરાક માં થી ધાતુ નહિ બનતા આમ બને છે જેને ઋષિ એ વિષ ની ઉપમા આપી છે.

 ધારણાત ધાતવ: | શરીર નું જે ધારણ કરેછે તે ધાતુ. શરીર માં રસ, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા ને શુક્ર એમ સાત ધાતુઓ છે. આ સાતેય ધાતુઓ સરખા પ્રમાણ માં છે ને શુદ્ધ છે તો શરીર તંદુરસ્ત છે અન્યથા બીમાર. તેવી જ રીતે મળ, મૂત્ર ને પરસેવો એમ ત્રણ મળ છે. ઉપરાંત માં સાતેય ધાતુઓના સાત મળ છે. રસ નો મળ કફ, રક્ત નો પિત્ત, માંસ નો મળ એટલે આંખ, કાન ને નાક માં થી નીકળે તે, મેદ નો પરસેવો, અસ્થિ નો નખ ને વાળ, મજ્જા નો માં આંખ માં છારી બાઝવી ને નંબર વધવા તે, શુક્ર નો મળ કહી શકાય નહિ છતાં કેટલાક કહેછે કારણકે શુક્ર એ ધાતુઓનો સાર છે.

આ બધા મળ તો નજરે દેખાતા મળ છે. પરંતુ નહિ દેખાય તેવો મળ એટલે આમદોષ.  જે શરીરના અંદરના અંગોના મળ છે.  હાર્ટએટેક, કીડની ફેલ્યોર, અપચો, મરડો, લીવર- બરોળ નો સોજો, એપેન્ડીક્ષ નો સોજો, થાયરોઇડ ના રોગો, સાંધાઓ માં સોજા, આંખ, દાંત, નાક, કાન, ગળાના રોગો ........ આ બધા જ અંગો માંથી મળ શુદ્ધિ- આમદોષ નું પાચન કરવામાં આવે તો... સ્વસ્થતા સરળતા થી પ્રાપ્ત થાય. 

૧. દિપન :  ખરેખર આપણને સાચી ભૂખ લાગેછે કે કેમ તે જ શંકા છે. સવારે પેટ સાફ થાય, પરસેવો પડે તેટલો વ્યાયામ થાય ને તોય સવારે જાગ્યા પછી છ થી સાત કલાક સુધી પાણી પણ પીવામાં ના આવે તેવો અનુભવ ક્યારેક કરજો કે કકડીને લાગેલી સાચી ભૂખ કેવી હોયછે. આદુ, સૂંઠ, કાળામરી, લીંડીપીપર, ચિત્રક, વરીયાળી... આ બધા ભૂખ લગાડનાર દીપન દ્રવ્યો છે.

અતિ લંઘન થી ધાતુઓ નો ક્ષય થાયછે. તેથી આવો પ્રયોગ બધાએ દરરોજ કરવા જેવો નથી પરંતુ જેમને આમદોષ અધિક પ્રમાણમાં છે તેમણે ક્યારેક આ પ્રયોગ કરવો અથવા વૈદ્ય કહે તેટલા દિવસ આ પ્રયોગ કરવો.

૨. પાચન : જે કોઈ ખોરાક, પાણી લેવાય તેનું યોગ્ય પાચન થવું જરૂરી છે. જો પાચન બરાબર થતું નથી તો અપચા માં થી જે ધાતુ બનતા પહેલા પ્રથમ બનેછે તેને આમદોષ કહેછે. તે આમદોષ જ્યાં જ્યાં જાયછે ત્યાં તે- તે સ્થાનમાં સોજા ને વિષ ઉત્પન્ન કરેછે. તે આમદોષ નું ઝડપથી પાચન કરવામાં આવે તો જ નવા- નવા દર્દો થી દૂર રહી શકાય.

આમદોષ ના પાચન માટે હરડે, સુંઠ, મરી, લીંડીપીપર, ગંઠોડા, લીમડાની ગળો, એરંડ સ્નેહ, ગરમ પાણી, ઉપવાસ, તડકાનું સેવન, ગરમ ધાબળો ઓઢીને પરસેવો લાવવો, સૂંઠ ના ઉકાળામાં એરંડ સ્નેહ સવારે નરણા પીવો તે, આદુ ને લસણ થી યુક્ત મગની દાળ પીવી તે... આ અને આવા અનેક ઉપચારો આયુર્વેદે બતાવ્યા છે જે આપણી પ્રકૃતિ ને અનુલક્ષીને વૈદ્યના માર્ગદર્શનથી પ્રયોગ કરી શકાય.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)