ઘી પીવાની પધ્ધતિ
હવે જાણે તંદુરસ્ત સમાજ નું નિર્માણ થઈ
રહ્યું હોય તેવા અણસાર આવતા જાયછે. આજકાલ સૌને
દેશી ગાય નું દૂધ ને ઘી પીવાની જાણે હરિફાઇ લાગી હોય તેવુ જણાય છે, જૈવિક ખેતી ને તેના જ શાકભાજી પ્રત્યે ના પ્રેમ ની વાતો ચોરે ને ચૌટે થાયછે, આયુર્વેદ ની
ઔષધી લેવા નું ગૌરવ વધ્યું છે. પહેલા
પંચકર્મ ને પછી દવા તેવો આગ્રહ હવે વધ્યો છે. બિમારી આવે જ નહી તે માટે પંચકર્મ
કરાવવાની સમજણ સામાન્ય જનમાનસ માં
ઉભી થતી
જાયછે.
એક સમયે ઘી નું નામ સાંભળી ને મોઢું
બગાડનારા હવે ખુશી થી ઘી પીવાની વાત કરેછે.
જે લોકો સારી ભૂખ ની ઇચ્છા
રાખતા હોય,જેમને નિર્ણાયક બુધ્ધિ, એક જ વખત સાંભળેલું યાદ રહી જાય તેવી સ્મૃતિ, મેધા નામની ધારણા શક્તિ ની જરુર છે તે બધાએ દેશી ગાય ના દૂધ માં થી
બનતું સાચા ઘી નું તેમણે સેવન કરવુ જોઇએ.
એટલુંજ નહી જેમને ઉત્તમ સ્વર, તંદુરસ્ત આયુષ્ય અને સૌંદર્યવાન- વર્ણ
ની ઇચ્છાવાળા માટે પણ ઘી નું સેવન ઉત્તમ છે.
જેમને ઝાડા, આમદોષ, ગળા ના, પેટ ના, કફ ના, કૃત્રિમ ઝેર ના, તરસ ના કે દારુ પીવાથી જે રોગો થયા હોય તેમને, અરુચિ હોય, ઉરુસ્તંભ હોય, જે સ્ત્રી ને ગર્ભસ્ત્રાવ થયો હોય, નસ્ય - બસ્તિ કે વિરેચન
આપ્યું હોય તેમને ઘી પીવું હિતકારી નથી.
તંદુરસ્ત વ્યક્તિએ, સારી ભૂખ લાગતી હોય, આકાશ માં વાદળ ના હોય ત્યારે
સવાર ના સમયે પ્રાય: ઘી પીવું. ઘી પીધા પછી ગરમ પાણી પીવું. જ્યારે પીધેલું ઘી બરાબર પચી જાય ત્યારે ભૂખ થી ઓછું ભોજન
લેવું.
દર્દ ની દવા માટે ડૂંટી થી નીચેના રોગો માટે ભોજન પહેલાં, પેટ ના રોગ માં કે પાચન ના
રોગો માં ભોજન ની સાથે કે ભોજન મધ્યે અને હૃદય, ફેફસાં, નાક, કાન, આંખ, માથું, ગળા ની તંદુરસ્તી કે રોગ ની સારવાર માં
ભોજન પછી ઘી પીવું હિતકર છે.
કોઇપણ રોગ ની સારવાર માં સૌ
પ્રથમ આમદોષ નું પાચન કરવું જરુરી છે. તે માટે પ્રથમ લંઘન એટલેકે સરળતા થી પચી જાય
તેવુ ભોજન પછી જ ઔષધ યુક્ત ઘી પીવાથી દૂર થયેલુ દર્દ ફરી ને પછી થતું નથી.
તંદુરસ્ત વ્યક્તિએ પણ રોગ થાય જ નહી તે માટે પણ ઔષધ યુક્ત અથવા દેશી ગાય નું હાથ
વલોણા નું ઘી નિત્ય પીવું જોઇએ. તેનાથી અગ્નિ, પાચન નું બળ વધશે.
પંચકર્મ ના પ્રયોગો માં દિપન- પાચન (ભૂખ ઉઘાડી, આમદોષ નું પાચન કરાવી) પછી ઘી પીવાનો ક્રમ આવેછે. જેમાં સંપૂર્ણ શરીર
ના બધાજ કોષ - સ્રોતસ ઘી ના સ્નેહ થી પરિપૂર્ણ થાય ત્યાં સુધી દરરોજ ચડતા ક્રમે ઘી
ની માત્રા વધારતા જઈ ને ઘી પીવાથી... જેમ
કોઇ વાસણ માં તેલ કે ઘી ચોપડ્યા પછી તેમાં મુકવામાં આવેલ સુખડી ચોંટતી નથી... તેમ શરીર ના તમામ
સ્રોતસ- કોષ ઘી થી પરિપૂર્ણ થવાથી શરીર ના દોષ - રોગ શરીર મા ચોંટતા નથી
એટલું જ નહી ચોંટેલા દોષ હોય તો તે પણ ઉખડી
ને કોઠા માં આવી જાયછે પછી પંચકર્મ વૈદ્ય
તેને વમન કે વિરેચન દ્વારા બહાર કાઢેછે
અને તેથી શરીર દોષમુક્ત, રોગમુક્ત થાયછે, સ્વસ્થ બનેછે.
પંચકર્મ ના પ્રયોગો કરનાર વ્યક્તિએ સ્નેહપાન - ઘૃતપાન - ઘી પીધા બાદ
ગરમ પાણી જ પીવું. બ્રહ્મચર્ય નું પાલન કરવું. દિવસે ઊંઘવું નહી. રાત્રે જ સુવું.
મળ, મુત્ર, અપાન વાયુ
ના વેગ રોકવા નહી. વ્યાયામ, ક્રોધ, શોક, ટાઢ, તડકો, અતિપવન, વધુ બોલવું, વધુ ચાલવું, વધુ મુસાફરી, વધુ બેસવું, ધુમાડો... આટલી વાતો પંચકર્મ ચાલતું હોય તેટલા અને તેથી બમણા દિવસો
સુધી ત્યજવા જોઇએ.
જે માણસ વારંવાર સ્નેહ નું
સેવન કરેછે એટલેકે પીવામાં, માલિશ માં, માથે ચોપડવામાં, નેત્ર તર્પણ માં, કાન માં તેલ ભરવામાં વારંવાર
સ્નેહ નો ઉપયોગ કરેછે.... તેનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાયછે, કોઠો શુધ્ધ થાયછે. ધાતુઓ નિત નવી બનેછે. તે બળ અને કાન્તિ થી યુક્ત થાયછે. તેની ઇન્દ્રિયો દ્રઢ થાય છે.
તેને ઘડપણ મોડુ આવેછે અને તે સો વર્ષ સુધી યુવાન રહેછે. ( પંચકર્મ વૈદ્ય નું ડગલે
ને પગલે માર્ગદર્શન અચૂક લેવું. )
..... તો... પછી સાચુ, ચોખ્ખું ગાય નું ઘી કે તલ નું તેલ પીવામાં આળસ શા માટે?....
Comments
Post a Comment