પંચકર્મ પદ્ધતિ


એપ્રિલ’ ૮૫ માં અમે જયારે “ અમૃત આયુર્વેદ કેન્દ્ર ” માં સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિ થી થતાં “પંચકર્મ સારવાર કેન્દ્ર” ની શરૂઆત કરી ત્યારે દર્દી થી અધિક આ “ પંચકર્મ ” શું છે?.  તે પુછવા  વધુ આવતા. હવે તો ઘણું પરિવર્તન આવ્યું છે.

 હવે લોકો સારી તંદુરસ્તી જળવાઈ રહે તે માટે, ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ માટે, કોઈથી પણ ના મટી શકે તેવા દર્દ મટાડવા માટે, દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ માટે, શ્રેષ્ઠ સૌંદર્યની પ્રાપ્તિ માટે, મન- બુદ્ધીની તાકાત વધારવા માટે, યાદશક્તિ ને મેધાશક્તિ વધારવા માટે, તમામ દર્દ સહેલાઈથી ને ઝડપથી મટાડવા માટે, દર્દની દવા પહેલા, દવા ખાવા પ્રત્યે અરુચિ રાખનારા લોકો (કારણકે બસ્તિ માં માત્ર ગુદા માર્ગથી જ દવા આપીને દર્દ દૂર થાયછે.).... આવા અનેક કારણથી હવે લોકો પંચકર્મ માટે જાગૃત થયાં છે ત્યારે હવે સૌએ એ જાણવું જરૂરી થયું છે કે આયુર્વેદ ના ગ્રંથો માં વર્ણવેલ પંચકર્મની સાચી પદ્ધતિ શું છે?. તે કેવી રીતે કરવામાં આવેછે.

 નિશાન ચૂક માફ .. આ કહેવતને પંચકર્મ ખોટી પાડીને કહેછે કે, “ નિશાન ચૂક પણ માફ નહિ, નહિ માફ નીચું નિશાન.” ... તો આવો આપણે સમજીએ પંચકર્મની સાચી પદ્ધતિ.

પંચકર્મ માં પાંચ પ્રધાન કર્મ છે. ૧, વમન. ૨, વિરેચન. ૩, અનુવાસન. ૪, આસ્થાપન. ૫, નસ્ય.. આ ઉપરાંત વ્યહારમાં સૌથી વધુ પ્રચલિત રક્તમોક્ષણ ને શિરોધારા પણ પંચકર્મ માં આવી જાયછે.

,  પૂર્વકર્મ : પંચકર્મ નો કોઈપણ પ્રયોગ કરતા પહેલા પૂર્વકર્મ અને જે તે પ્રયોગ પૂર્ણ થયાં બાદ પશ્ચાતકર્મ જરૂરી છે. પૂર્વકર્મ માં દિપન, પાચન, સ્નેહન અને સ્વેદન  આવેછે.

             દિપન : જેનાથી કકડી ને ભૂખ લાગે તે ઔષધ ને દિપન કહેછે.
               પાચન : ખાધેલો ખોરાક ને શરીર માં રહેલો આમદોષ – કાચોરસ નું જે ઔષધ થી પાચન થાય તેને પાચન કહેછે.

 જ્યાંસુધી દીપન અને પાચન બરાબર ના થાય ત્યાંસુધી સ્નેહન કે વમન આદી  કોઈપણ કર્મ નું યોગ્ય પરિણામ મળતું નથી. ઘણા લોકો ચટ ને પટ પંચકર્મ કરાવીને સાજા થઇને દૂર દેશ માં કે પરદેશ જવું હોયછે જે શક્ય નથી.  આવી રીતે પંચકર્મ  કરવાથી દર્દીને ક્ષણિક લાભ થશે, વૈદ્ય ને કમાઈ થશે પરંતુ પંચકર્મ બદનામ થશે. પંચકર્મના સાચા ને સારા પરિણામ માટે તો વિધિવત દીપન, પાચન અતિશય જરૂરી છે. 

 સામાન્યરીતે દીપન, પાચન માટે પાંચ દિવસ સુધી દર્દીને એક જ સમય, ભૂખથી અર્ધું ભોજનની સલાહ ને આખો દિવસ  સુંઠથી જ ઉકાળેલું પાણી પીવાની સલાહ  આપવામાં આવેછે અને રાત્રે ભોજન કે પાણી પણ યથાશક્ય નહિ પીવાનો આગ્રહ જરૂરી બનેછે.  ઉપરાંત જરૂર જણાય ત્યાં અનુભવી વૈદ્ય ઔષધ પણ આપેછે. તો જ આમનું પાચન થાય.

             સ્નેહન :  સ્નેહન ના બે પ્રકાર છે.

આભ્યંતર સ્નેહન:  જેમાં ઔષધયુક્ત ઘી અથવા તેલ તેટલું ધીરે ધીરે માત્રા વધારતા એટલું પીવામાં આવે કે તે સંપૂર્ણ શરીર માં, પ્રત્યેક કોષ- સ્રોતસ સુધી પહોંચી જાય.  આ પ્રકારે સ્નેહન કરવાથી શરીરમાં રહેલા બધાજ દોષો સ્નેહીત થવાથી, ઢીલા ને સરકી જાય તેવા થવાથી બહાર સહેલાઈથી નીકળેછે. જેમ કાચની સપાટી પર થી તેલ સરી જાય તેવી રીતે સવારે મળ પ્રવૃત્તિ  જેમની થતી હોય તે સ્ફૂર્તિવાન અને બુદ્ધિશાળી હોયછે તેમ...
               
બાહ્ય સ્નેહન : માલીશ કરવું. પ્રત્યેક વ્યક્તિ એ દરરોજ આખા શરીર ઉપર માલીશ કરવું જોઈએ. પરંતુ ઉનાળામાં ને ક્યારેક શક્ય ના બને તો માથામાં, પગમાં ને કાનમાં તો દરરોજ માલીશ કરવું જોઈએ.

માલીશ કરવાથી ઘડપણ, થાક અને વાયુ દૂર થાયછે ( ઘી કે તલ નું તેલ પીવાથી અને માલીશ થી ). આંખો નું તેજ વધેછે ( અક્ષી તર્પણ પ્રયોગ થી ). આયુષ્ય વધે છે. ઊંઘ સારી આવે છે ( શિરોધારા થી ). ચામડી નીરોગી ને દ્રઢ બનેછે.  

 અહી પૂર્વકર્મમાં પણ માલીશનું અધિક મહત્વ છે. રૂંવાડાની દિશા માં પ્રત્યેક અંગ ઉપર પાંચ- પાંચ મિનીટ જેટલા સમય સુધી, દર્દ અનુસાર ઔષધયુક્ત તેલ ની માલીશ કરવામાં આવેછે. 

             સ્વેદન ( સ્ટીમ બાથ ): જ્યાં- જ્યાં માલીશ ત્યાં - ત્યાં ઔષધયુક્ત પાણી ની વરાળ નો શેક આપવો. નસ્યકર્મ કે માત્ર બસ્તિ માં સ્થાનિક નિશ્ચિત ભાગ ઉપર જ માલીશ થાયછે ત્યારે શેક પણ તે- તે ભાગ ઉપર જ કરવામાં આવેછે.

સ્વેદન- શેક કરવાથી તે સ્થાન ના દોષો પીગળે છે. જયારે સર્વાંગ શેક આપવામાં આવે તેમાં પીગળેલા દોષો કોષ્ઠ માં આવેછે. કોષ્ઠ માં આવેલા દોષોને વમન કે વિરેચન દ્વારા બહાર કાઢવામાં આવેછે. ( ક્રમશ : )     

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)